ઉમરેઠના વણસોલ-પણસોરા રોડ ઉપર આવેલી પંચરાણા સીમમાં ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતું બાઈક આગળ ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે ધડાકાભેર અથડાતા બન્ને મિત્રોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા. આ ઘટના અંગે ભાલેજ પોલીસે બાઈક ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર વણસોલ ગામે રહેતો મનિષભાઈ કનુભાઈ રાજ (ઉ. વ. ૨૬)ગઈકાલે રાત્રીના સુમારે નજીકમાં જ રહેતા મિત્ર દિપકભાઈ ગણપતભાઈ સોલંકી (ઉ. વ. ૨૮)ના બાઈક નંબર GJ-23 DF-8752 પર સવાર થઈને બન્ને પણસોરા તરફ જવા નીકળ્યા હતા. રાત્રીના નવેક વાગ્યાના સુમારે તેઓ વણસોલથી પણસોરા તરફ જવાના રોડ ઉપર સીમમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ ડાંગર ભરેલા ઉભેલા ટ્રેક્ટર નંબર GJ-23 N-5924 ની ટ્રોલી સાથે ધડાકાભેર અથડાતા બન્ને મિત્રો રોડ પર ફંગોળાયા હતા. જેમાં મોઢાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. બાઈક ટ્રોલી સાથે ભટકાતા બાઈકનો આગળનો ભાગ પણ તુટી જવા પામ્યો હતો.
અકસ્માત બાદ આસપાસના રહીશો તેમજ વાહનચાલકો એકત્ર થઈ જવા પામ્યા હતા. તુરંત જ ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતાં તેઓ આવી પહોંચ્યા હતા અને બન્નેને સારવાર માટે અલીન્દ્રાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ભાલેજ પોલીસે કનુભાઈ રાયસીંગભાઈ રાજની ફરિયાદને આધારે મરણ ગયેલા બાઈક ચાલક દિપકભાઈ સોલંકી વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
