જન્મભૂમિનું સન્માન: આહીર જેઠો ખુંગલો અને કાનપરી બાવાજી

Nilesh Solanki
By -
0

 "અરે, એભલવાળાએ બળધૂઈ ગામમાંથી આહીરોને હાંકી કાઢ્યા?"

"આહીરોને કાઢી મૂકીને એભલવાળો પોતાના જ પગ પર કુહાડો શા માટે મારે? જરા ખાતરી કરી જો!"

"ભાઈ, ખાતરી કરીને જ ખબર લાવ્યો છું, એભલવાળા સાથે વાંકુ પડતા આહીરોએ બળધૂઈ છોડ્યું છે!"

"એભલવાળો આવી ભૂલ કેમ કરી બેઠો?"

"હા, ભાઈ, હવે બળધૂઈ લૂંટવું આપણા માટે ડાબા હાથનો ખેલ કહેવાય!"

"તો કોની રાહ જુઓ છો? કરો તૈયારી!" વાલા નામોરીએ આદેશ કર્યો.





ગોંડલ તાલુકાના દડવાની સીમમાં આવેલી સોનારિયાની પહાડીમાં દોઢસો ખુંખાર સાથીઓની ટુકડી સાથે પડાવ નાખી પડેલા કુખ્યાત બહારવટિયા વાલા નામોરીએ ખબરી પાસેથી સમાચાર સાંભળી બળધૂઈ ભાંગવાનો હુકમ કર્યો. એક હાથે ઠૂંઠો હોવા છતાં, અચૂક નિશાનબાજ વાલા નામોરીને આજ બળધૂઈ ગામ મધમાખીઓ વગરના મધપૂડા જેવું લાગતું હતું – સુખી અને સાધન-સંપન્ન, પણ નિરાધાર. તેણે વિચાર્યું કે આવો સારો મોકો ફરી નહીં મળે, અને તેથી હાકલો કરી ઘોડાના પેંગડામાં પગ નાખ્યો.

આ બાજુ, લાંબા ગામતરે ગયેલા જેઠો ખુંગલો અને અન્ય આહીરો બળધૂઈ પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે રાજની રોજેરોજની વેઠ કરવાથી કંટાળી આહીરોએ ના પાડતા ગામધણીએ તેમને જાકારો આપ્યો છે. આ વાત જાણતા જ આ આહીરોએ ઘરવખરી ગાડામાં ભરી ગામ છોડવાની તૈયારી શરૂ કરી દીધી હતી.

ગાડામાં ઘરવખરી ભરી, પરિવાર સાથે ગામ છોડવા માટે જેઠા ખુંગલા સાથે અન્ય આહીર ભાઈઓએ બળદોની રાશ હાથમાં લીધી, ત્યાં જ અચાનક બંદૂકના ભડાકા સંભળાયા. ભારે હૈયે આહીર પરિવારોને વિદાય આપવા ભેગા થયેલા ગામવાસીઓએ બંદૂકના ભડાકા સાંભળી નાસભાગ કરી મૂકી અને બીકના માર્યા પોતપોતાના ઘરમાં ભરાઈ બારી-બારણા ધડાધડ બંધ કરી દીધા. ગામના પહાયતાઓ પણ વાલા નામોરીનું નામ સાંભળતા જ ગામને રામભરોસે મૂકી છાના ખૂણે છૂપાઈ ગયા. જેઠા આપા ખુંગલાએ ઝાડ પર ચડીને નજર કરતા ગામના પાદરમાં બહારવટિયાઓની ટુકડી જોઈ.

આ જોઈને ઘરવખરી ભરી ગામ છોડવાની તૈયારી કરી ચૂકેલા જેઠા ખુંગલાએ પોતાની જામગરી (બંદૂક) હાથમાં લીધી.

"જેઠાભાઈ, વાલો ઠૂંઠીયો લાગે છે? હવે શું કરશું?"

"આહીર યુવાન, આહીરોને બળધૂઈના દરબારે જાકારો આપ્યો છે; હવે આપણે પારકી પંચાતમાં શું કામ પડવું?"

"જેઠાભાઈ, ગામધણીએ જાકારો દીધો છે, જન્મભૂમિએ નહીં! આપણી સામે માની લાજ કેમ લૂંટવા દેવાય?"

"હા, જેઠાભાઈ, તમારી વાત સાચી છે, તો ભલે આજ કંઈક નવાજૂની થઈ જાય!"

દૃઢ નિશ્ચય સાથે આહીર યુવાનોએ સાવધાન કરતા બાળકો અને સ્ત્રીઓને ઘરમાં પાછા મૂકી, આ ત્રણેય ભડવીરો ગામની મોકાની જગ્યાએ ગોઠવાઈ ગયા. બળધૂઈમાંથી કોઈ હિલચાલ જોવા ન મળતા વાલા નામોરીનું ટોળું હરખાતા હૈયે સુમસામ બજારમાં દાખલ થતું જોઈ જેઠા ખુંગલાની જામગરીએ નિશાન લઈ ભડાકો કરતા એક સાથે બે બહારવટિયાને જમીનદોસ્ત કરી દીધા. અચાનક ટોળા પર થયેલા ભડાકાથી બહારવટિયાઓ ગભરાઈ ગયા, ત્યારે બીજી તરફ જેઠા ખુંગલા અને અન્ય આહીરો વંડીની ઓથ લઈ જામગરીઓ ભરાવી નિશાન લેતા બહારવટિયાઓનો ખાતમો બોલાવવાનું શરૂ કરી દીધું. વાલા નામોરીના સૈન્ય પર કાળો કેર વરસાવવાનું શરૂ થઈ ગયું હતું.

સાંકડી બજારમાં બહારવટિયાના સૈન્યને ફસાયેલું જોઈ તેને હરાવવા 'હરહર મહાદેવ…'નો જયનાદ કરતો બળધૂઈનો કાનપરી બાવો લોહીતરસ્યી તલવાર સાથે આહીરોની મદદે આવી ચડ્યો. આ ચાર મરજીવાઓએ દોઢસો બહારવટિયાના ટોળાને ધોળા દિવસે તારા દેખાડી દીધા.

સૈન્યને સંકટમાં જોઈ, અંગ્રેજોની જેલ તોડીને ભાગેલો અને વાલા નામોરીનો જમણો હાથ ગણાતા જાન મામદને વંડીની ઓથે છૂપાતો-છૂપાતો જેઠા ખુંગલાને મારવા આગળ વધતો જોઈ, કાનપરી બાવાએ એક મોટો પથ્થર લઈ જાન મામદની આંખનું નિશાન લઈ ઘા કર્યો, જેથી તેની આંખનો ડોળો માંસના લોચા સાથે બહાર નીકળી ગયો.

જાન મામદને ઘાયલ થતો જોઈ વાલા નામોરી ગુસ્સે થયો અને જામગરીનું નિશાન કાનપરી બાવા ઉપર લઈ ભડાકો કરતા તે શહીદ થયો. કાનપરી બાવો મરાતા જેઠા ખુંગલાએ જામગરીને પડતી મૂકી હાથમાં તલવાર લઈ પડકારો કરતા વાલા નામોરી તરફ દોટ મૂકી.

"વાલા, સાવધાન!"

અચાનક પડકારો સાંભળતા વાલા નામોરી પાસે જામગરી ભરવાનો સમય ન રહ્યો. તેણે જેઠા ખુંગલાને સાક્ષાત કાળસ્વરૂપે જોતા તેના મોઢાનું નૂર ઊડી ગયું. જવાંમર્દ જેઠા ખુંગલાએ છલાંગ મારી ઘોડેસવાર વાલા નામોરી ઉપર જનોઈવઢ ઘા કર્યો. વાલાએ નીચે નમી ઘા ચૂકવતા, તલવારના ઝાટકે ઘોડાની ગરદન કપાઈ અને તે ઘોડા સાથે જમીનદોસ્ત થયો. જમીન પર પડેલા વાલા પર જોખમ વધતા, લોહીલુહાણ જાન મામદે જેઠા ખુંગલા તરફ, અન્ય આહીર યુવાનની વચ્ચે આવી, તલવારનો ઘા કર્યો, જેનાથી તેના પેટના આંતરડા બહાર કાઢી નાખ્યા. તો બીજી તરફ, વાલા નામોરીને તેના સાથીઓએ બચાવી લીધો. જેઠા ખુંગલો અને બંને આહીર યુવાનો પર ચારે તરફથી જામગરીના નિશાન લેવાતા, આ ત્રણેય ભડવીરો પોતાની તલવારની ધારથી જુવારના લોથા વાઢતા હોય તેમ અનેક લૂંટારાઓના માથા વાઢતા વાઢતા વીરગતિ પામ્યા.

બળધૂઈના આ ચાર ભડવીરોએ જન્મભૂમિની રક્ષા કરતા પોતાના પ્રાણની આહુતિ આપી, ગામને લૂંટવા આવેલા વાલા નામોરીને ધૂળ ચાટતો કરી દીધો. બળધૂઈ લૂંટવાનું વાલા નામોરીને ભારે પડ્યું, તેથી તેણે પીછેહઠ કરી. મિત્ર જાન મામદની નાજુક હાલત જોઈ, તેણે ઘાયલ અને મૃત સાથીઓને લઈ હાથલીયા ડુંગર તરફ ભાગવા સાથીઓને ઈશારો કર્યો.

વાલા નામોરીનો ઈશારો થતા જ, જમીન પર પડેલા જાન મામદના પેટમાંથી બહાર નીકળી ગયેલા આંતરડા પેટમાં પાછા મૂકી, તેને ઝોળીમાં નાખતા, બાકી બચેલા સૈન્ય સાથે તે હાથલીયા ડુંગર તરફ ભાગ્યો. રસ્તામાં જાન મામદનું પ્રાણ પંખેરું ઊડી જતા વાલા નામોરીએ તેને હાથલીયા ડુંગરમાં દફનાવ્યો. જે વાતની સાક્ષી પૂરતી જાન મામદની કબર આજેય હાથલીયા ડુંગરમાં જોવા મળે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)