લાંબા વિરામ બાદ મેઘમહેર:આણંદમાં દોઢ અને ઉમરેઠમાં બે ઈંચ વરસાદ

Nilesh Solanki
By -
0

ઉમરેઠમાં લાંબા સમયની રાહ જોવડાવ્યાં બાદ મેઘરાજા મહેરબાન થયાં છે. રવિવારે સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા દરમિયાન ઉમરેઠમાં બે ઈંચ વરસાદ વરસી ગયો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જેથી ઉમરેઠની પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ઉમરેઠ પંથકમાં અધિક શ્રાવણ અને નિજ શ્રાવણ મહિનામાં વરસાદ સાવ નહિવત રહ્યો હતો. જોકે, લાંબો સમય રાહ જોવડાવ્યાં બાદ મેઘરાજાએ ભાદરવા મહિનાના પ્રારંભે જ ધબધબાટી બોલાવી દીધી છે. શનિવાર સાંજથી જ ઉમરેઠમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ હતી. આ વરસાદ આખી રાત અને બીજા દિવસે એટલે કે, રવિવારની સાંજ સુધી અવિરત ચાલુ રહ્યો હતો. એમાંય વળી રવિવારે સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી હતી. રવિવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા દરમિયાન ઉમરેઠમાં 55 મી.મી વરસાદ નોંધાયો છે. 

આણંદ જિલ્લામાં સૌથી વધુ ઉમરેઠમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. ઉમરેઠ તાલુકામાં  મુશળધાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ઉમરેઠમાં નીચાણવાળા વિસ્તારો ઉપરાંત બસસ્ટેન્ડથી લઈ ઓડ ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવાથી વાહનોની અવરજવર ઉપર સીધી અસર જોવા મળી હતી. ભારે વરસાદને પગલે ગામ-શહેરોમાં મોટાભાગની દુકાનો બંધ જોવા મળી, માર્ગો ઉપર ચહલપહલ થંભી ગઈ અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. લોકોએ ઘરની બહાર કામ વગર જવાનું ટાળ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)