ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કડાણા ડેમમાં પાણીની આવક વધી છે જેથી કડાણા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ભારે વરસાદ ને પગલે રાજસ્થાનના બાસવાળાના બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જેને પગલે કડાણા ડેમમાં પાણીની આવક થઈ છે. ભારે વરસાદના પગલે કડાણા ડેમમાં 7 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. જેથી કડાણા ડેમમાંથી 15 ગેટ ખોલી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. કડાણા ડેમમાંથી અંદાજે 3 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે.
વણાંકબોરી ડેમ ઓવરફ્લો થતાં અને મહીસાગર નદીની જળ સપાટી વધતા થયો છે. જેને લઈને આણંદ જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. આણંદ જિલ્લાના મહીસાગર નદીના કિનારે આવેલા ખાનપુર, ખેરડા, આંકલવાડી, રાજુપુરા, ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ખોરવાડ, આંકલાવ તાલુકાના બામણગામ, ચમારા, ઉમેટા, સંખ્યાડ, કાનવાડી, આમરોલ, ભાણપુરા, બોરસદના ગાજના, સારોલ, કંકાપુરા, કોઠીયાખાડ સહિત 24 ગામોના લોકોને સતર્ક કરાયા છે. ઉમરેઠ, આણંદ, બોરસદ, આંકલાવના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ તથા તલાટીઓને ફરજ પર સતર્ક રહેવા સૂચના અપાઇ.
