આણંદ : જિલ્લાના આવેલ ઉમરેઠમાં નગરપાલીકાના શૌચાલય કૌભાંડ મામલે પાલિકાના ૧૭ સભ્યોને તા. ૯ મી જાન્યુઆરીએ બરોડા કમિશનર કચેરીમાં હાજર રહેવા નોટિસ મોકલવામાં આવી છે. પ્રથમ મુદતમાં મામલો ઉચાપતનો લાગતા અધિનિયમ-૭૦ મુજબ રિકવરીની નોટિસ કાઢી છે.
અરજદાર ભરતભાઇ ચીમનલાલ ઠાકરની અરજીમાં જણાવ્યા મુજબ, પાલિકા દ્વારા આશરે ૫૦૦ જેટલા શૌચાલય ઉમરેઠ નગરના અલગઅલગ વિસ્તારમાં બનાવામાં આવ્યા છે. જ્યાં શૌચાલયના પાણીની ટાંકી ખાળકુંવા બનાવવામાં આવ્યા જ નથી. શૌચાલયોના નાણાં ચુકવાઈ ગયા છે. આ મુદ્દો હાલ નાના એવા ઉમરેઠમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા ઘણા સમયથી ઉમરેઠ નગરપાલીકામાં ભ્રષ્ટચાર બાબતની ફરિયાદો ઉઠી રહી છે. સાથે નગરપાલીકાના ચૂંટાયેલા સભ્યો વારંવાર વિવાદનું કેન્દ્ર બની રહ્યા છે. કૌભાંડ અંગે ઉમરેઠ નગરપાલીકાના સભ્યોને પહેલા અધિનિયમની કલમ ૩૭ મુજબ તેંડુ મોકલ્યું હતું. પરંતુ, કમિશનરની પ્રથમ મુદતમાં મામલો ઉચાપતનો લાગતા હવે ઉમરેઠ નગરપાલીકાના સભ્યો સામે અધિનિયમ ૭૦ મુજબ રિકવરીની નોટિસ કાઢી છે. તારીખ ૯/૧/૨૦૨૪ના રોજ બરોડા પ્રાદેશિક કમિશનર કચેરીમાં હાજર રહેવાની નોટિસ કાઢવામાં આવી છે.
