ઉમરેઠના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ ખાતે આજે પંચ ની હાજરીમાં અષાઢી જોવાઈ હતી જેમાં જુવાર,ઘઉં,તલ,અડદ અને ચણાનો પાક સારો રહેવાનો વર્તારો જોવા મળ્યો હતો જેને પગલે ખેડૂતો તેમજ અનાજ તેલીબિયાં વેપારીઓમાં આનંદની લાગણી વ્યાપી હતી. જ્યારે મગ અને ડાંગરનો પાક ઓછો ઉતરશે તેવા વર્તારા નું અનુમાન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મહાદેવમાં ગુરૂ પૂર્ણિમાના પૂનમના દિવસે સાંજના સમયે જુદા જુદા ધાન્યો જોખી એક કોરા કટકાની પોટલીમાં મુકી તમામ ધાન્યો એક કુંભમાં મુકીને મહાદેવના ગર્ભગૃહમાં આવેલું એક ચમત્કારી ગોખમાં મુકી સદર ગોખને પંચ સમક્ષ સીલ કરી દેવામાં આવ્યું હતુ જે આજે પુનઃ પંચ સમક્ષ ખોલીને તમામ ધાન્યોની પુનઃ જોખવામાં આવ્યા હતા. ધાન્યના વજનમાં થયેલા ફેરફાર ને અષાઢી કહેવાય છે અને તેમાં થયેલ વધઘટને આધારે ખેડૂતો અને વેપારી જે તે પાક કેવો થશે તેનું અનુમાન લગાવે છે. આજે દિલીપભાઈ સોનીએ પરંપરાગત રીતે અષાઢી જોખી હતી જે મહાદેવના પુજારી ગીરીશભાઈ દવેએ સૌ સમક્ષ જાહેર કરી હતી જેમાં ગત વર્ષ ની સરખામણીમાં મગ ૬૫ ઓછા, ડાંગર ૨ ઓછી તેમજ જુવાર ૪ વધારે, ઘઊં ૩ વધારે, તલ ૪૮ વધારે તેમજ અડદ ૨ વધારે , કપાસ સમધારણ રહેશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું.
ઘઉં - 3 વધારે
તલ - 48 વધારે
અડદ - 2 વધારે
મગ - 65 ઓછા
કપાસ - સમધારણ
બાજરી - દોઢ ઓછી
માટી - 01 રતી વધારે
ડાંગર - 2 ઓછી
જુવાર - 4 વધારે
ચણા - અડધો વધારે
