ઉમરેઠની હમીદપુરા શાળાની વિદ્યાર્થીનીએ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં જીત હાંસલ કરી
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા માટે ગૌરવની ક્ષણ સામે આવી છે. ઉમરેઠ તાલુકાની હમીદપુરા પ્રાથમિક શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આરોહી જિજ્ઞેશકુમાર પરમારે રમતગમતના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે.
ખેલ મહાકુંભ-2025 અંતર્ગત આયોજિત જિલ્લા કક્ષાની અન્ડર-9 સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ (સ્થાયી લાંબી કૂદ) સ્પર્ધામાં આરોહીએ ઉમરેઠ તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્પર્ધામાં તેણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન હાંસલ કર્યું, જેના કારણે હમીદપુરા પ્રાથમિક શાળા ઉપરાંત સમગ્ર ઉમરેઠ તાલુકામાં આનંદની લાગણી ફેલાઈ છે.
આરોહીની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તેને સન્માનિત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય મનોજકુમાર અમીને આરોહીને વિશેષ ભેટ આપી અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા કક્ષાએ પહોંચાડવામાં અને પ્રથમ ક્રમાંક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર શાળાના શિક્ષક તેમજ આરોહીના પિતા જિજ્ઞેશકુમાર પરમારને પણ મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવાના બદલામાં આરોહીને રાજ્ય સરકાર તરફથી રૂપિયા 5,000નો પુરસ્કાર મળશે. આ પહેલાં પણ આરોહીએ ઉમરેઠ તાલુકા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી રૂપિયા 1,500નો પુરસ્કાર જીત્યો હતો.
આરોહીની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઉમરેઠ ટી.પી.ઈ.ઓ. માધવસિંહ સોલંકી, ઉમરેઠ બીટ કે.નિ. જયેશભાઈ પટેલ, બી.આર.સી.સી. ડી.એન. પટેલ, સી.આર.સી.સી. શૈલેષ પટેલ તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
