ગાયોનો રવારી અને વચનનો રખેવાળ: વીર પાબુજી રાઠોડ

Nilesh Solanki
By -
0

"ખમ્મા... ખમ્મા... રણબંકા પાબુજીને!"

વાત છે ચૌદમી સદીના એ કાળની, જ્યારે કલ્યાણકારી મેઘરાજા રૂઠ્યા હતા. કચ્છની ધરા માથે કાળો કાળ (દુકાળ) પડ્યો. ધરતી ફાટવા લાગી ને ઢોર-ઢાંખર ટપોટપ મરવા માંડ્યા. એવે ટાણે આઈ દેવલ કાછેલી પોતાનું હજારોનું પશુધન લઈને મારવાડની સીમ ભણી નીકળ્યા. આઈની પાસે એક એવી ઘોડી, જેની કાયા જાણે કુંદન અને ચાલ જાણે હરણની ફાળ! નામ એનું 'કેશર કાળવી'.



કાળવીની હણહણાટી અને જિંદરાવની પાપબુદ્ધિ

આઈનો નેસડો જાયલના સીમાડે ઉતર્યો. જાયલનો ધણી જિંદરાવ ખીંચી. પાબુજી રાઠોડનો એ સગો બનેવી થાય. પણ જેની દાનત બગડે એને સગપણ ક્યાં નડે? જિંદરાવની નજર કેશર કાળવી પર પડી. એણે આઈ પાસે ઘોડી માંગી, પણ આઈએ તો સાફ કહી દીધું: "બાપ, આ ઘોડી નથી, આ તો મારો જીવ છે, એ ન અપાય!"

જિંદરાવ છંછેડાયો, આઈને કનડવા લાગ્યો. એટલે આઈ ત્યાંથી ઉચાળા ભરીને કોલૂમંડના સીમાડે આવ્યા. ત્યાં ધાંધલજી રાઠોડનો દીકરો પાબુજી - જેની આંખમાં સૂરજનું તેજ અને છાતીમાં સિંહનું જોર! આઈએ પાબુજીને રાખડી બાંધી ભાઈ માન્યો અને વચનના બદલામાં કેશર કાળવી સોંપી. પણ વેણ નાખ્યું:

"વીરા પાબુ! જે દી' તારો બનેવી મારી ગાયો વાળવા આવે, તે દી' આ કાળવી ત્રણ હાવળ (હણહણાટી) નાખશે. ઈ દી' મોવડી થઈને આવજે હો ભાઈ!"

પાબુજીએ કેશરની કેશવાળી માથે હાથ ફેરવીને કીધું: "આઈ, જો વચન ચૂકું તો જણનારી લાજે!"

દિવસો વીત્યા ને પાબુજીના લગ્ન અમરકોટના સોઢા રાજવીની દીકરી સાથે નક્કી થયા. મંડપ રોપાયા, શરણાઈઓ વાગી અને પાબુજી સોઢી રાણી સાથે ફેરા ફરી રહ્યા છે.

પહેલો ફેરો ફર્યો... બીજો ફેરો ફર્યો... અને ત્રીજો ફેરો પૂરો થયો...

ચોથો ફેરો ફરવા જ્યાં પાબુજીએ ડગ ઉપાડ્યું, ત્યાં જ અમરકોટના ગઢ માથે સમડીએ ચિત્કાર કર્યો અને નીચે બાંધેલી કેશર કાળવીએ આભ ફાટી જાય એવી ત્રણ હાવળ દીધી! પાબુજીના કાનમાં આઈનું વેણ ગુંજ્યું. હાથમાં રહેલું મીંઢળ તોડ્યું, અને તલવારથી છેડો કાપી નાખ્યો.

બ્રાહ્મણો બોલ્યા: "અરે રાઠોડ! આ શું કરો છો? એક જ ફેરો બાકી છે, લગ્ન પૂરા કરી લો!"

ત્યારે એ નરબંકો બોલ્યો:

"બ્રાહ્મણ દેવતા! મારો ચોથો ફેરો તો હવે આઈની ગાયો રક્ષવામાં અને રણમેદાનમાં રમાશે. જેનું વચન માથે હોય એનાથી ફેરા ન ફરાય!"

નવલખો હાર પહેરેલો વરરાજા કેશર માથે અસવાર થયો. પાબુજીની પાછળ ૧૪૦ ભીલ સામંતોની ફોજ ઉપડી. જિંદરાવ ખીંચી આઈની ગાયો હાંકી જતો હતો, ત્યાં પાબુજીએ પડકાર કર્યો. ભયંકર ધીંગાણું ખેલાયું. તલવારોના ખખડાટ વચ્ચે પાબુજીએ ગાયો તો છોડાવી, પણ વચન ખાતર આ નરવીરનો દેહ રણમેદાનમાં ઢળ્યો.

આ બાજુ સોઢી રાણીએ પણ પતિના માર્ગે સતી થઈ અમર ત્યાગનો દાખલો બેસાડ્યો. લોકજીભે દુહો રમવા લાગ્યો:

ફેરા સુણી પુકાર જદ, ધાડી ધન લે જાય; આધા ફેરા ઇણ ધરા, આધા સુંરગા ખાય.

🙏 લોકદેવતા પાબુજી

આજે પણ મારવાડ અને ગુજરાતની ધરતી માથે પાબુજી 'પીર' તરીકે પૂજાય છે. ગાયોના રક્ષક તરીકે એમનું મંદિર કોલૂમંડમાં શોભે છે. 'ભોપા' લોકો રાવણહથ્થો વગાડીને પાબુજીની શૌર્યગાથા ગાય ત્યારે આજે પણ સાંભળનારના રૂંવાડા ઉભા થઈ જાય છે.


ખમ્મા વીર પાબુજીને!

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)