આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી માટી મેરા દેશ કાર્યક્રમના આયોજન બાબતે ખેડા, આણંદ અને અમદાવાદ સહિત ત્રણ જિલ્લાઓના કલેકટરશ્રીઓ અને અન્ય પદાધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કલેકટર શ્રી કે.એલ બચાણી દ્વારા ખેડા જિલ્લામાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમ માટે કરવામાં આવેલી કામગીરી અને આગામી સમયના આયોજન સંદર્ભે માહિતી આપી હતી. તથા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મેરી માટી મેરા દેશ કાર્યક્રમની કામગીરી વિશે પદાધિકારીઓ અને અધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું મહત્વ સમજાવતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આઝાદી પહેલા અને ત્યારબાદ દેશ માટે શહીદી આપનાર વીરોના સન્માન થકી આજના લોકો તેમ જ આવનારી પેઢીઓમાં દેશ પ્રેમ અને દેશદાઝ ઉજાગર કરવાનો આ અનેરો ઉત્સવ છે. જન ભાગીદારી દ્વારા દેશ માટે નાના મોટા સેવા કાર્યો કરી લોકશાહીને મજબૂત કરવા તેમણે અપીલ કરી હતી. આ ઉપરાંત મેરી માટી મેરા દેશ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવીનતમ પ્રયોગો જેમ કે પોષક તત્વો વાળા વૃક્ષો વાવવા, શ્રમદાન થકી સફાઈકાર્યો તેમજ જે તે ગામને કુપોષણ મુક્ત ગામ બનાવવા વગેરે કાર્યો કરવા અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો.
મેરી માટી મેરા દેશ કાર્યક્રમ સંદર્ભે ખેડા જિલ્લાના આયોજનની વાત કરતા જિલ્લા કલેકટરશ્રી દ્વારા શીલાફલકમ, વૃક્ષારોપણ, દીવા કળશ, માટી યાત્રા, સેલ્ફી પોઇન્ટ, મિલેટ્સ ડિસ્ટ્રીબ્યુશન આયોજન, શહીદ વીરોની યાદી, સામાજિક સંસ્થાઓનો સહયોગ અને જે તે ગામના દાતાઓની યાદી વગેરે મહત્વની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તા. ૯ થી ૧૧ ઓગસ્ટ દરમિયાન જિલ્લાની ૫૨૨ ગ્રામ પંચાયતો, ૧૦ નગરપાલિકાઓ અને કોર્પોરેશન દ્વારા તમામ શહેરી વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે.
મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં દરેક ગ્રામ પંચાયત ખાતે સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ દરમિયાન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે. જેમાં તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવશે. ઉપરાંત વધુમાં વધુ જનભાગીદારી થાય અને ગત વર્ષના જેમ કાર્યક્રમ જનઆંદોલન બને તેવી રીતે બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. દરેક ગામ ખાતે કાર્યક્રમના દિવસે ગ્રામસભાનુ આયોજન કરવામાં આવશે. ગ્રામસભામાં લોકોને આરોગ્ય વિભાગ અને બેંકની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્યમાન ભારત, અટલ પેંશન યોજના તથા પી.એમ.જીવન જ્યોતિ વિમા યોજના વિશે માહિતગાર કરવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા કાર્યક્રમની જનજાગૃત્તિ સારૂં શાળાના વિદ્યાર્થીઓની રેલી, ચિત્રસ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, પ્રભાત ફેરી વગેરેનુ આયોજન કરી બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ, બાઇક રેલી તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન, આઉટ પોસ્ટ, સરકારી વસાહત તથા સરકારી વાહનો ઉપર બેનર, હોર્ડીંગ્સ વગેરે દ્વારા કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવામાં આવશે.
આ વિડીયો કોન્ફરન્સમાં મહુધા ધારાસભ્યશ્રી સંજયસિંહ મહીડા, માતર ધારાસભ્યશ્રી કલ્પેશ પરમાર, મહેમદાવાદ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ અને ઠાસરા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી શિવાની ગોયલ અગ્રવાલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેકટર શ્રી બી.એસ.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નડિયાદ નગરપાલિકા પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ, સભ્યો સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
.jpeg)
.jpeg)