વાસદની મહિસાગર નદીમાં બે સગી બહેનોનો મોતનો ભૂસકો

Nilesh Solanki
By -
0

વાસદ ખાતેથી પસાર થતી મહિસાગર નદીમાં આજે સવાર પતિ સાથે ઝઘડો થતાં એક જ ઘરમાં પરણેલી 2 સગી બહેનો પિયર જવાના બહાને ઘરેથી નીકળી જઈને નદીમાં મોતનો ભુસકો મારી લેતાં મોટી બહેનને બોટવાળાએ બચાવી લીધી હતી. જ્યારે નાની બહેન પાણીમાં ગરકાવ થઈ જવા પામી હતી. જેની શોધખોળ કરવા છતાં પણ મળી આવી નહોતી.


પ્રાપ્ત વિગતો અનુસાર નડીઆદના મુલાસણ ગામે રહેતી રંજનબેનના લગ્ન બારેક વર્ષ પહેલા ફાજલપુર ખાતે રહેતા વિજયભાઈ ગોહેલ સાથે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સાત-આઠ વર્ષ પહેલા નાની બહેન કંચનબેનના લગ્ન વિજયભાઈના નાના ભાઈ સંજયસિંહ સાથે કરવામાં આવ્યા હતા. બન્ને બહેનો બે ભાઈઓ સાથે પરણીને બાજુ-બાજુના મકાનમાં રહેતા હતા. દરમ્યાન આજે સવારના સુમારે કંચનબેનને પતિ સંજયસિંહ સાથે દૂધ બાબતે ઝઘડો થતાં બોલાચાલી થઈ હતી. જેમાં રંજનબેન વચ્ચે પડતા સંજયસિંહે તેણીને વચ્ચે પડવાની ના પાડતા બન્ને બહેનોને લાગી આવ્યું હતુ અને ઘરેથી પિયર જવા માટે નીકળી ગઈ હતી.

દરમ્યાન સાડા નવેક વાગ્યાના સુમારે મહિસાગર નદીએ જઈને પહેલા કંચનબેને ભુસકો મારી દીધો હતો. ત્યારબાદ રંજનબેન પણ નદીમાં કુદી પડ્યા હતા. આ દ્રશ્ય જોઈ ગયેલો એક બોટવાળો તુરંત જ ત્યાં પહોંચી ગયો હતો અને રંજનબેનને ડુબતા બચાવી લીધા હતા. જ્યારે કંચનબેન પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. તરવૈયાઓ અને ફાયરબ્રિગેડની મદદથી કંચનબેનની શોધખોળ કરી હતી પરંતુ મોડીરાત્રી સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નહોતો. આ અંગે વાસદ પોલીસે હાલમાં તો જાણવા જોગ નોંધ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)