વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. રાજભવનમાં રાત્રી રોકાણ બાદ 27મી સપ્ટેમ્બરે અમદાવાદના સાયન્સ સિટીમાં તેમજ છોટા ઉદેપુરના બોડેલીના જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે.
છોટા ઉદેપુરના બોડેલીમાં યોજાનારા એક સમારોહમાં તેઓ સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળે તે માટે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમ હેઠળ 4500 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. નવા વર્ગખંડ, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટીમ લેબ અને ગુજરાતની સ્કૂલોમાં બાંધવામાં આવેલી સુવિધાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે.
આ કાર્યક્રમ દરમિયાન, મોદી વડોદરા જિલ્લાના તાલુકા સિનોરમાં ‘ઓદરા ડભોઇ-સિનોર-માલસર-આસા રોડ’ પર નર્મદા નદી પર બાંધવામાં આવેલા નવા પુલ સહિતની બહુવિધ વિકાસ યોજનાઓ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.
