થોડા સમય પેહલા ઠાસરા તાલુકાના ઢુણાદરા તાબેના પરમારપુરા ગામના એક કૂવામાંથી યુવકના મળી આવેલો. આ મામલે પોલીસે તપાસ કરતા આ મૃતદેહ ડાકોરમાં રહેતા રેલવે કર્મચારીનો હોવાનું બહાર આવ્યું છે. યુવકની હત્યા કરીને મૃતદેહને કુવામાં ફેંકી દેવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થતા પંથકમાં ચકચાર મચી છે.
મળતી માહિતી મુજબ ઠાસરાના પરમારપુરા ગામના કુવામાંથી ગતરોજ એક મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા આ મૃતદેહ ડાકોર ખાતે આવેલી સ્વાગત રેસીડેન્સીમાં રહેતા અને ઉમરેઠ રેલવે સ્ટેશનમાં રેલ્વે કર્મચારી તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ જયંતીભાઈ મકવાણા (ઉંમર વર્ષ 33) નો હોવાનું જાણવા મળ્યું હતું. અજાણ્યા ઈસમોએ કલ્પેશના મોઢાના ભાગે અને માથાના ભાગે માર મારીને તેમની હત્યા કર્યા બાદ મૃતદેહને ઝાંખેડ ગામ નજીક આવેલા પરમારપુરાના કુવામાં ફેંકી દીધો હતો. આ મૃતદેહ મળ્યો તેની નજીકમાં આવેલ એક ઓરડીમાંથી લોહીના ડાઘા અને એક લાકડાનો કટકો પણ મળી આવ્યો છે. જેના ઉપર પણ લોહીના ડાઘ જોવા મળતા હાલમાં પોલીસ દ્વારા FSLની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.
કલ્પેશભાઈની હત્યા કોણે અને કેમ કરી તેની ડાકોર પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. જોકે એક અઠવાડિયામાં જ ડાકોરમાં હત્યાનો આ બીજો બનાવ સામે આવતા ચકચાર મચી છે.
