ઉમરેઠના પીપળીયા ભાગોળ કસ્બામાં ગઈકાલે રાત્રીના દશેક વાગે ઘર પાસે આંટાફેરા મારવાની બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થતાં ચાર લોકોને ઈજાઓ થવા પામી હતી. આ ઘટના ને પગલે ઉમરેઠ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ નાઝપરવીન મુનીરઅહેમદભાઈ ચૌહાણે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, ગઈકાલે ઉર્સનો તહેવાર હોવાથી તમને ઘરે નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ દરમ્યાન તેણીના ઘર પાસે રીયાઝ રફીકમીંયા ચૌહાણ આંટાફેરા મારતો હતો.જેથી ભાઈ મહંમદશકીલને કહેતા તેણે રીયાઝને ઠપકો આપ્યો હતો. આ વાતની રીસ રાખીને રફીકમીંયા હુસેનમીંયા ચૌહાણ, રીયાઝ, રીફાકત અને મહેરાજબાનુ આવી પહોંચ્યા હતા અને નાઝપરવીન તથા તેણીની માતા નરગીસબાનુને ગડદાપાટુનો માર માર્યો હતો. રફીકમીંયાએ લાકડાનો ડંડો નરગસીસબાનુને કાંડાના ભાગે મારી દીધો હતો. ભાઈ સાહિદ વચ્ચે પડતા તેને બરડામાં લાકડાનો ડંડો મારીને આજે તો બચી ગયા છો, પરંતુ ફરીથી નામ લીધું તો જીવતા નહીં રહેવા દઈએ તેવી ધમકી આપી હતી.
સામા પક્ષે રીયાઝહુસેન રફીકમીંયા ચૌહાણે આપેલી ફરિયાદમાં જણાવ્યું છેકે, ગઈકાલે નિયાઝના પ્રસંગ નિમિત્તે બધા જમતા હતા ત્યારે સાહિદહુસેન મુનીરમીંયા ચૌહાણે તુ મારીબાજુ કેમ જુએ છે તેમ કહેતા તેણે હું તમારી બાજુ જોતો નથી તેમ કહેતા જ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. સાહિદહુસેને તેને ગડદાપાટુનો માર માર્યો હતો. તેનું ઉપરાણું લઈને શકીલહુસેન મુસાબાપુ ચૌહાણ, મુનીરમીંયા ઉર્ફે રાજુ ગનીમીંયા ચૌહાણ અને ઈરશાદ મુસાબાપુ ચૌહાણ આવી પહોચ્યા હતા અને સાહિદે ધારદાર ચપ્પુ લઈ આવીને ખભા ઉપર મારી દેતાં લોહી નીકળ્યું હતુ. ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
