આંકલાવ પોલીસ મથકના બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાતા પોલીસબેડામાં ફફડાટ

Nilesh Solanki
By -
0

 આણંદ રૂરલ પોલીસ મથકે એપ્રિલ મહિનામાં દાખલ થયેલા એક લક્ઝરીયસ ગાડીઓ ભાડેથી મેળવીને બારોબાર વેચી દેવાના કૌભાંડમાં ગાડીઓ ખરીદનાર આંકલાવ પોલીસ મથકના બે પોલીસ જવાનોને જીલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચિખોદરા ખાતે રહેતા રોમિત સંજયભાઈ પટેલ તથા તેના સાળા વિનોદ ઉર્ફે વીકી રાજકુમાર સીંધીએ અમૂલમાં ભાડેથી ગાડીઓ ફેરવવાનું ટેન્ડર પાસ થયું હોવાનું જણાવીને સારસા ખાતે રહેતા ઈમરાન ઉર્ફે ઢોલા મારફતે કુલ 16 જેટલી લક્ઝરીયસ ગાડીઓ ભાડેથી મેળવી હતી. જેમાં ચિખોદરાના ફરિયાદી જીગ્નેશભાઈ નટુભાઈ પટેલ અને તેમના સંબંધીઓની જ ચાર ગાડીઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં ભાડુ આપ્યા બાદ આ ગાડીઓ બારોબાર સગેવગે કરી નાંખી હતી અને ભાડુ પણ ચુકવવાનું બંધ કરી દીધુ હતુ. જેથી આ અંગે આણંદ રૂરલ પોલીસે તપાસ કરીને એકબાદ એક વેચેલી ગાડીઓ જપ્ત કરી હતી.

આ છેતરપિંડી દ્વારા મેળવાયેલી ગાડીઓ પૈકી બે ગાડીઓ આંકલાવ પોલીસ મથકે ફરજ બજાવતા મયુરસિંહ ગોહિલ તેમજ નરેન્દ્રસિંહ ચૌહાણે પણ સસ્તા ભાવે ખરીદી હતી. જેથી તપાસ કરતી પોલીસે આ બંન્નેને ગાડીઓ જમા કરાવી દેવાનું જણાવ્યું હતુ. પરંતુ કોઈ કારણોસર ગાડીઓ જમા કરાવતા નહોતા. દરમ્યાન વાત DSP સુધી પહોંચી હતી અને તેઓએ પણ ગાડીઓ ગુનાના કામે જમા કરાવી દેવાની સુચના આપી હોવા છતાં પણ તેનો અનાદર કરવામાં આવ્યો હતો. જેથી પોલીસકર્મી મયુરસિંહ ગોહિલ અને નરેન્દ્રસિંહ ચૌહાણને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)