આણંદ જિલ્લાના લાંભવેલ ગામની સીમમાંથી પણસોરા ગામના યુવકની ગળા તથા પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના આઠથી દસ ઘા મારી કરપીણ હત્યા કરી દેવાયેલી લાશ થોડા સમય પહેલા મળી આવી હતી. આ બનાવમાં આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના સમયમાં જ ગુનામાં સંડોવાયેલા ત્રણ પૈકી બે આરોપીને પકડી લીધા હતા. આરોપીઓ એ આ સમગ્ર બનાવમાં લૂંટના ઈરાદે જ હત્યા કરાઈ હોવાની કબુલાત કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠ તાલુકાના પણસોરામાં રહેતા શૈલેષભાઇ સોનાજીભાઈ ચૌહાણ ઉમર 23 વર્ષ નો મૃતદેહ ગત તારીખ 13/8 રવિવારે લાંભવેલ ગામની સીમમાંથી પસાર થતી નહેર પાસેના ઝાંડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. શૈલેષભાઈ ખાનગી ફાયનાન્સ કંપનીમાં રીકવરી એજન્ટ તરીકે નોકરી કરતો હતો. પોલીસ દ્વારા યુવકના ફોનોમાં આવેલા ફોન કોલ્સની ચકાસણી હાથ ધરાઈ હતી. યુવકને બોરીયાવી પટાકનગર ખાતે રહેતા 34 વર્ષીય દિનેશ ઉદેસિંગ રાઠોડનો તેના ગુમ થયાના કલાકો દરમિયાન ફોન આવ્યા હતા જેને પગલે પોલીસે ફોન કોલ્સમાં અને ફાયનાન્સ કંપનીમાં મળેલી માહિતીના આધારે તેને બોરીયાવીમાંથી ઝડપી પાડ્યો હતો. દિનેશ રાઠોડની પ્રાથમિક પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે તે તેમજ કરજણના મીંયાગામ ખાતે રહેતો 29 વર્ષીય રફીક ઉર્ફે રફો ઈસ્માઈલ વ્હોરા અને જોળ જોગણીમાતાવાળા ફળીયા ખાતે રહેતો રાકેશ ઉદેસિંગ વાઘેલા સાથે મળીને ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું.
પોલીસ સમક્ષ યુવકે જણાવ્યું હતું કે, તેણે ફાયનાન્સ કંપનીમાંથી રૂપિયા 70 હજારની લોન લીધી હતી અને તેના લોનના હપ્તા લેવા માટે બોલાવ્યો હતો. યુવક રીકવરીનું કામ કરતો હોય તેની પાસે પૈસા હોય તે લૂંટવાનું જ તેમનું પ્લાનિંગ હતું. એટલે જ અમે ત્રણેય જણાંએ ભેગા મળીને તેને હપ્તાના પૈસા આપવાના બહાને બોલાવી તેના શરીરના ભાગે છરીના ઘા મારી હત્યા કરી નાંખી પછી તેની પાસેથી મળેલા રૂપિયા 60 હજાર તથા મોબાઈલ લૂંટી લીધા હતા.
પોલીસે કરજણથી રફીક ઉર્ફે રફાની ધરપકડ કરી છે. જ્યારે ત્રીજો આરોપી રાકેશ વાઘેલા વોન્ટેડ છે. હાલમાં પોલીસે બંને પાસેથી રૂપિયા 4500ની કિંમતના ત્રણ મોબાઈલ કબજે લઈ લૂંટાયેલી રોકડ કબજે લેવાની તજવીજ હાથ ધરી છે. આણંદ ગંજના વેપારીને પણ લૂંટવાનું આયોજન કર્યું હતું પોલીસે પકડી પાડેલો આરોપી દિનેશ રાઠોડ અને હજુ પોલીસ ચોપડે વોન્ટેડ રાકેશ વાઘેલા બંને મિત્રો છે અને તેઓ અગાઉ સરદાર ગંજમાં એક વેપારી કમલેશભાઈને ત્યાં નોકરી કરતા હતા. વેપારી પોતાની બોલેરો પીકઅપ લઈને નડિયાદથી આણંદ રોજ આવતા હોય હોય તેમને લૂંટવાનું પ્લાનિંગ કર્યું હતું કારણ કે, વેપારી પાસે ધંધાના રૂપિયા 6 થી 7 લાખ રહેતા હતા. બે વખત તેઓએ નડિયાદથી આણંદ આવતી વખતે લિફ્ટના બહાને તેમની જોડે કારમાં બેસીને આવ્યા બાદ પ્લાનિંગ કર્યું હતું. પેશાબ કરવાના બહાને તેમની કાર રોકાવી લૂંટનું આયોજન કર્યું હતું. પરંતુ જે તે સમયે કોઈકની અવર-જવર રહેતા પ્લાન સદંતર નિષ્ફળ રહ્યો હતો. વડોદરાની ફાર્મા કંપનીમાં દવાનું બોડી ટેસ્ટીંગનું કામ કરતા હતા વડોદરામાં આવેલી ફાર્મા કંપનીમાં કરજણનો રફીક ઉર્ફે રફો વ્હોરા અને જોળનો રાકેશ વાઘેલા કામ કરતા હતા. એ સમયે બંનેની ઓળખ થઈ હતી. દરમિયાન, ત્રણેય એકબીજાના પરિચયમાં આવ્યા હતા. રફીક ઉર્ફે રફો અને રાકેશ વાઘેલા ફાર્મા કંપનીમાં દવાનું બોડી ટેસ્ટીંગનું કામ કરતા હતા. જોકે, છેલ્લાં છ મહિનાથી તેમની પાસે કોઈ કામ ન રહેતા બેકાર હોઈ ગુનાખોરીને અંજામ આપવાનું મન બનાવી લીધું હતું અને ત્યારબાદ ઘટનાને અંજામ આપ્યો હતો. નોંધનીય છે કે, રફીક વિરૂદ્ધ કરણજમાં મોબાઈલ ચોરીનો ગુનો નોંધાયો છે.
