ડાકોરમાં એક બંધ મકાનમાંથી 75 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવતા શહેરમાં ચર્ચા. જે અંગે ડાકોર પોલીસ દ્વારા પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથધરી છે. બહારથી તાળું મારેલા મકાનમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા સમગ્ર મામલો આકસ્મિક મોત, હત્યા કે આત્મહત્યાનો છે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ડાકોરમાં ભગતજીન સ્વાગત હોમ ખાતે આવેલા મકાન નંબર એ 304માં આ ઘટના બનવા પામી છે જેમાં મૂળ રાજસ્થાની બ્રાહ્મણ 75 વર્ષિય જગદીશચંદ્ર જમનાલાલ શર્મા તેમના પરિવાર સાથે રહે છે. જેમનો મૃતદેહ મકાનના ઉપલા માળેથી મળી આવ્યો છે. જો કે હાલ મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ડાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલવામાં આવ્યો છે. હાલ પોલિસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે.