ભગવાન કૃષ્ણના જન્મને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે મંદિરોનો ફૂલો અને રોશનીથી શણગાર કરવામાં આવ્યો ત્યારે ચરોતરના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ખાતે આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. કૃષ્ણ જન્મોત્સવ ને લઈને ભગવાનને વિવિધ શણગારથી સજાવવામાં આવ્યા છે આજે રાત્રીના 12:00 વાગે શ્રી કૃષ્ણ જન્મોત્સવ થતા ભગવાન ને પંચામૃત સ્નાન કરાવી ઠાકોરજીને શૃંગાર અર્પણ કરી મોટો મુગુટ ધારણ કરાવી લલ્લાને સોનાના પારણામાં બિરાજમાન કરાવી પારણે ઝુલાવવામાં આવશે.
આજે વહેલી સવારથી જ વડોદરા, સુરત, ભરૂચ, અમદાવાદ સહિત દેશ પરદેશથી ભક્તોનું ઘોડાપુર ડાકોર મંદિર ખાતે ઉમટી પડ્યું છે અને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયેલ નજરે પડે છે. વહેલી સવારે 6:30 વાગે નિજમંદિર ખુલી 6:45ના અરસામાં મંગળા આરતી થઇ હતી જેમાં 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી'ના નારા સાથે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા આરતી બાદ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવાપૂજા કરવામાં આવી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ખાતે મંદિર ખાતે આજે વિવિધ ભજન મંડળીઓ દ્વારા કૃષ્ણ ભજનોની રમઝટ બોલાવવામાં આવી રહી છે. આજે મધરાતે કૃષ્ણ જન્મોત્સવની સાથે લલ્લાને પારણે ઝુલાવી ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે.આજે રાત્રીના 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ સાથે ઠાકોરજી ને પંચામૃત સ્નાન કરાવવામાં આવશે ત્યાર બાદ ઠાકોરજીની સેવા તેમજ શૃંગાર ધરાવીને ઠાકોરજીને મોટો મુગુટ ધારણ કરાવવા આવશે, ત્યાર બાદ શ્રી ગોપાલાજી મહારાજ સોનાના પારણામાં બિરાજમાન થઇ પારણામાં ઝુલશે, ત્યારબાદ અનુકૂળતાએ મહાભોગ આરતી થઇ શ્રી ઠાકોરજી પોઢી જશે.
